बिजनेससूरत

ચેમ્બર ઓફ કોમર્સના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘એમ્પાવરમેન્ટ સર્કલ’વિષે સેશન યોજાયું

સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાની જરૂર છે : મેયર હેમાલી બોઘાવાલા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ગુરૂવાર, તા. ૧૭ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એમ્પાવરમેન્ટ સર્કલ’ વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના પૂર્વ વિભાગીય વડા ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા અને બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રે પાછળ નથી. તેઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે અને તેઓ આગળ વધી રહી છે. જો કે, મહિલાઓ માટે કામ કરવાની ઘણી ચેલેન્જ હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓએ પરિવારને સાચવીને આગળ વધવું જોઇએ. પહેલો સહકાર પરિવાર તરફથી લેશો તો કોઇ દિવસ પાછળ રહેશો નહીં. તેમણે કહયું કે, ગુજરાત જીઆઇડીસીમાં રૂપિયા ૧૭૦૦ કરોડનો બિઝનેસ માત્ર મહિલાઓ કરે છે ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાનો છે.

ડો. રેણુકા ગર્ગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે જે આઇડિયા આપણી પાસે હોય છે તેને અમલમાં નહીં મુકાય ત્યાં સુધી એ આઇડિયા બેકાર છે. જે પ્રોડકટનું ઉત્પાદન કરી તેને માર્કેટમાં લઇ જવી છે તેની માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય તો પણ આઇડિયા બેકાર છે, આથી આઇડિયા હમેશા ફિઝીબલ હોવો જોઇએ. બિઝનેસ માટે રિસ્ક લેવો પડશે. આજે બિઝનેસની શરૂઆત કરી અને કાલથી પરિણામ મળશે એ જરૂરી નથી. બિઝનેસમાં ટકી રહેવા માટે પણ નવા નવા આઇડિયાઝ લાવવા પડશે. બિઝનેસમાં નવિનતા લાવવી પડશે ત્યારે જ બિઝનેસમાં લાંબા ગાળે ટકી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટકી રહેવા માટે માત્ર માર્કેટીંગ અને ફાયનાન્સ જ નહીં પણ ૩૬૦ ડીગ્રી એન્ગલથી વિચારવું પડશે. બિઝનેસ મેનેજમેન્ટના જેટલા પણ ફંકશન છે તેના વિષે વિચારવું પડશે. બિઝનેસમાં ટકી રહેવા માટે સ્પર્ધા ઘણી છે, પરંતુ હમેશા સ્પર્ધક બનીને નહીં પણ સહકારની ભાવના સાથે એકબીજાને સહયોગ આપીને પણ બિઝનેસને ડેવલપ કરવો પડે છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અપનાવી ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડકટ ડેવલપ કરવી પડશે. તેમણે બિઝનેસમાં ટકી રહેવા માટે સેલ્ફ મોટીવેશન, એબિલિટી, એકસપિરિયન્સ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય સેશનમાં હાજર રહયા હતા.

વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કરી મેયર હેમાલી બોઘાવાલાનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે વકતા ડો. રેણુકા ગર્ગનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button